ચાર પ્રકારના દેવ
ભવનપતિ અને વ્યંતર દેવો પહેલી નરક ભૂમિના ઉપરના ભાગમાં; જ્યોતિષ્ક દેવો, એટલે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા, મધ્ય લોકના આકાશમાં; અને વૈમાનિક દેવો ઊર્ધ્વ લોકમાં વિમાનોમાં રહે છે.
બાર દેવલોક
સૌધર્મ અને ઈશાન બાજુબાજુમાં, પછી સનત્કુમાર અને માહેન્દ્ર; તેમની ઉપર એક પછી એક બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર અને સહસ્રાર; પછી આનત-પ્રાણત અને આરણ-અચ્યુત બાજુબાજુમાં. પહેલા દેવલોકના ઇન્દ્ર સૌધર્મેન્દ્ર તીર્થંકરોના કલ્યાણકોમાં દેવોની આગેવાની કરે છે.
લોકાંતિક દેવ
બ્રહ્મલોકના છેડે લોકાંતિક દેવો રહે છે. તીર્થંકરની દીક્ષાના એક વર્ષ પહેલાં તેઓ આવીને તીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરે છે.
ગ્રૈવેયક અને અનુત્તર
બાર દેવલોકની ઉપર લોકપુરુષની ગ્રીવા પાસે નવ ગ્રૈવેયક છે, અને પછી પાંચ અનુત્તર વિમાન: વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને વચ્ચે સર્વાર્થસિદ્ધ. સર્વાર્થસિદ્ધના દેવ પછીના જ મનુષ્ય ભવમાં મોક્ષ પામે છે.
સિદ્ધશિલા
સર્વાર્થસિદ્ધથી બાર યોજન ઉપર સિદ્ધશિલા છે, અને તેની ઉપર, લોકના અગ્રભાગે, સિદ્ધ ભગવંતો બિરાજે છે.